જુનાગઢના બાંટવામાં 15 વર્ષથી ભૂખ્યાની જઠરાગ્નિ ઠારતા પટ્ટાવાળાનું પાકિસ્તાનમાં સન્માન

જૂનાગઢનો નાતો પહેલેથી જ પાકિસ્તાન સાથે રહયો છે. આઝાદી બાદ જૂનાગઢનાં નવાબે પાકિસ્તાનમાં ભળવાની માંગ કરી હતી. આજે પણ અનેક લોકો પાકિસ્તાનથી મહિનાઓ સુધી જૂનાગઢમાં તેમનાં પરિવારને ત્યાં રોકાણ કરે છે.

હાલ પાકિસ્તાનમાં અબ્દુલ સતાર એધીનાં નામે એક સંસ્થા ચાલી રહી છે

ત્યારે પાકિસ્તાનમાં જેમનું અગ્રીમ હરોળમાં નામ લેવાય છે એવા અબ્દુલ સતાર એધી બાંટવાનાં વતની હતાં. તેમનાં નિધન બાદ અબ્દુલ સતાર એધીનાં નામે હાલ પાકિસ્તાનમાં એક સંસ્થા ચાલી રહી છે. જેનું નામ અબ્દુલ સતાર એધી ફાઉન્ડેશન છે. વતનનું ઋણ ચુકવવાનાં હેતુથી આ ફાઉન્ડેશન બાંટવામાં પણ નાની-મોટી પ્રવૃત્તિ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા બાંટવા નગરપાલિકામાં પટ્ટાવાળામાં નોકરી કરતાં કિરીટભાઇ બારોટનું સન્માન કરવાનો નિર્ણય થયો છે. કિરીટભાઇ રોજ 4 કિમી સાઇકલ લઇ ઘેર-ઘેર ફરી ટિફીન એકત્ર કરે છે. રોજનાં 35 ટિફીન એકઠા કરી અપંગ, વૃધ્ધ, નિરાધાર, માનસીક અસ્થિર લોકોને ભોજન કરાવે છે.

આ સેવાથી પ્રેરાઇ પાકિસ્તાનની સંસ્થા અબ્દુલ સતાર એધી ફાઉન્ડેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. કિરીટભાઇએ કહયું હતું કે, જાન્યુઆરીમાં કરાંચી અને લાહોરમાં મારૂ સન્માન થશે. મારી પાસે પાસપોર્ટ ન હોવાને કારણે મોડું થયું છે. મેં પાસપોર્ટ બનાવવા આપી દીધો છે. અને સંસ્થા દ્વારા વીઝા મોકલવામાં આવશે. એક સમય હતો કે હું બે-બે દિવસ સુધી ભુખ્યો રહેતો. દારૂણ ગરીબીમાંથી પસાર થયાં બાદ લોકોને ભોજન કરાવવાનો નિર્ણય કર્યો છે.

એક ઘરે ટિફીન લેવા ગયો તો મને રોટલી ફેંકીને આપી

કિરીટભાઇ પોતાનાં અનુભવ વર્ણવતા કહયું હતું કે, શરૂઆતમાં હું એક ઘરે ટિફીન લેવા ગયો હતો તે બહેને મને બહાર ઉભો રાખ્યો હતો. બાદ મને શાક, દાળ ઉપરથી આપ્યા હતા. જયારે રોટલી દુર ફેંકીને આપી હતી. આથી મેં કહયું હતું કે,બહેન હું દરેક વિસ્તારમાં જાઉ છું. જ્ઞાતિ જોતો નથી. તો તમે મારી સાથે વર્તન આવું કેમ કર્યુ. હું કોઇથી અભડાતો નથી. બાદ રાત્રે મને ફોન આવ્યો અને ખુબ રોવા લાગ્યા. અને મારી માફી માંગી હતી. આ બેન આજે રોજ મને એક ટિફીન આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here