વાવડ તો છે કે, કેરળને કાંઠે વર્ષારાણીનું આગમન થવાને હવે કલાકો ગણાય રહી છે. દેશભરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આ સાથે શરૂઆત થઈ જશે. પણ અત્યારે તો હાય રે ગરમી! ઉનાળો કાળઝાળ અગન વર્ષાવી રહ્યો છે. દર દિવસે છાપું ખોલોને ગરમી જ ધગધગે છે. પણ શું થાય? આ તો આવું જ રહેવાનું. દરવર્ષે ગરમીનો પારો ભૂતકાળના રેકોર્ડ તોડતો જ રહેવાનો.

આનો ઇલાજ શું છે – એ વારે ઘડીએ કહેવાની જરૂર નથી. ઘરના સભ્ય દીઠ વર્ષમાં એક ઝાડ વાવો, એની માવજત કરો એટલે ધીમેધીમે તોફાની બની રહેલ ક્લાઇમેટ ચેન્જ સ્થિર થઈ જશે. પણ કરવું છે કોને? આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ – પ જૂન છે. એ નિમિત્તે કંઈક યાદ કરીએ મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના એક ઇન્કમ ટેક્સ ઓફિસરના ખેતરની.

૧૫ વર્ષની મહેનતથી લગાવી દીધી કુંજમાળા 

મધ્યપ્રદેશનો ખરગોન જીલ્લો અત્યારે તપેલો છે : ભારતના બીજા બધા પ્રાંતની જેમ. પણ અહીંના કસરાવદ તાલુકાના એક ગામના ખેતરને જોઈએ તો હૈયે ટાઢક વળે છે.

અકબુરા ગામનું ખેતર છે. અકબરપુરા એટલે નર્મદાને કાંઠે વસેલું ગામ. ૮૦ એકરનું આ ખેતર ઇન્કમ ટેક્સ ડિપાર્ટના ચીફ કમિશ્નર પ્રતાંજલિ ઝાનું છે. ખેતરમાં નથી મગફળી, નથી ઘઉં કે નથી કોઈ રવિ-ખરીફ પાકની લીલોતરી. તો પછી આ ૮૦ એકરના ખેતરમાં છે શું?

એમાં તો ઊભા છે આભને આંબતા સાગડાઓના ઝાડવા, આમ્રફળથી લચી પડતા આંબા, લાંબી સોટી જેવી સીંગો ઝૂલાવી રહેલા સરગવા…! ઘડીભર જોઈએ તો આંખને શિતળતા મળે. સરકારી સાહેબના ખેતરમાં આવાં તો લગભગ ૧૦,૦૦૦ ઝાડ છે. ખેતરમાં નર્સરી બનાવી છે. અનેક પ્રકારની તરુલત્તાઓ ઝૂલી રહી છે.

વિક્રમ બુધિયા: મજૂર કે મહાશય? 

દરઅસલ, ખેતરની દેખભાળ રાખનાર આદમી છે – વિક્રમભાઈ બુધિયા. આ જે ‘રોયલ એસ્ટેટ’ ઊભું કર્યું છે તેમાં પરસેવો વિક્રમ બુધિયાનો છે. કંઈ કેટલાંય વર્ષ એકધારી કોદાળી ચલાવી, ત્રિકમના ઠાગા માર્યા, પાવડાના ઘા ઠોક્યા ત્યારે આ ઊભું થયું છે.

વિક્રમભાઈએ કદી નિશાળનું મોઢું તો જોયું નથી, પણ કોઈ ભણેલા વ્યક્તિ કરતા પણ વધારે સારી રીતે કે ઝાડનું મહત્ત્વ સમજે છે. પોતાની પત્ની, ચાર દિકરા અને એક વહુ સહિત આખો પરિવાર આ કામમાં જ જોતરાયેલો છે. એનું જ પરિણામ છે કે, આજે તેણે માવજતથી ઉછરેલા ઝાડવાં આજે વિશાળ વનરાજીનું રૂપ લઈ ચૂક્યાં છે.

પહેલાં વ્યવસાયનો વિચાર, હવે હરિયાળીનો હરખ 

ઉલ્લેખનિય છે કે, ઝા પરિવારે શરૂઆતમાં રોપા રોપેલા ત્યારે વિચાર તો આમાંથી કમાણી કરવાનો હતો, જે સ્વાભાવિક રીતે દરેકનો હોય છે. પણ પછી જ્યારે વનરાઈએ વિશાળ રૂપ ધારણ કર્યું ને ૮૦ એકરમાં જાણે સ્વર્ગ બની ગયું ત્યારે વ્યવસાયનો વિચાર માંડી વાળ્યો અને આ બાગ ‘ઓપન ફોર ઓલ’ કરી દીધો.

આજે અનેક લોકો આ ધખધખતા ગ્રિષ્મમાં ઝા પરિવારના આ ખેતર-કમ-ઉપવનની મુલાકાત લે છે અને ખોબે-ખોબે ઉલ્લાસ ભરીને પાછા ફરે છે. હા, દરવર્ષે એક ઝાડવું વાવવાનો સંકલ્પ પણ મનમાં કરતા જાય છે.

આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો. પ્રેરણાની વાત છે, પ્રેરણા બીજાને મળે માટે લીંક તો શેર કરી દેજો.

Author

Write A Comment